હું મનુષ્યની સાથે પશુઓનો પણ સંહાર કરીશ. આકાશના પક્ષીઓ અને સમુદ્રના માછલાં પણ નાશ પામશે. અને દુષ્ટ વસ્તુઓ જે તેમને લથડાવે છે તે પણ નાશ પામશે. અને હું માણસને ધરતીની સપાટી પરથી દૂર કરીશ, એમ યહોવા કહે છે.
“હું યહૂદા અને યરૂશાલેમના બધા વતનીઓ સામે મારો હાથ ઉગામીશ, અને હું આ જગ્યાએથી બઆલનું નામોનિશાન મિટાવી દઇશ, હું ઇસ્રાએલના યાજકો સાથે પણ ક્રમારીમના યાજકોના નામનો અંત લાવીશ.
તેઓ ઘરની અગાશી પર જઇને આકાશના સૈન્યની ભકિત કરે છે, અને તેઓ યહોવાને અનુસરે છે પણ સાથે સાથે માલ્કામનું પણ ભજન કરે છે! ને તેમના નામે સમ ખાય છે. તેમનો પણ હું સંહાર કરીશ.
“જેઓ પોતાના વ્યવસાયમાં અધર્મના માર્ગથી સ્થિર થયા હોય, અને ‘યહોવા અમારું કશું ખરાબ નહિ કરે કે ભલું નહિ કરે’ એવું માનનારાઓને તે વખતે હું દીવો લઇને યરૂશાલેમના વિસ્તારોમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ.
યહોવા કહે છે, “હું માણસોને એવી મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દઇશ કે તેઓ આંધળા માણસની જેમ ચાલશે, તેમનું લોહી જમીન પર વહેશે અને તેઓના શરીર લાદની જેમ રઝળશે. કેમ કે તેઓએ યહોવાની વિરુદ્ધ પાપ કર્યુ છે.”
યહોવાના કોપને દિવસે તેમનું સોનું ચાંદી તેમને ઉગારી શકશે નહિ, પણ સમગ્ર ભૂમિ યહોવાના પ્રચંડ ક્રોધાજ્ઞિમાં ભસ્મીભૂત થઇ જશે. કારણકે ભૂમિ ઉપર વસનારા સૌ કોઇનો તે અવશ્ય અંત લાવનાર છે.”